કોમેડીની દુનિયાના ‘બાદશાહ’ કેહવાતા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 20 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી ગયા. તેઓ લગભગ 41 દિવસ સુધી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેમણે જીવન અને મૃત્યુની લડાઈ લડી. પરંતુ 20 સપ્ટેમ્બર તેમના જીવનનો છેલ્લો દિવસ સાબિત થયો. રાજુ શ્રીવાસ્તવના નિધનથી બોલિવૂડ સેલેબ્સથી લઈને તેના તમામ ચાહકો દુખી છે.
દરેક એ તેમને ભાવુક શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી. સાથે જ તેમના પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા તેના પતિના જવાથી શોકમાં છે. કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં શિખા ખૂબ જ ઉદાસ જોવા મળી રહી હતી. આ દરમિયાન, કોમેડિયનની પુત્રી અંતરા શ્રીવાસ્તવે જણાવ્યું કે તેના પિતાની હાલત ખૂબ જ નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં બિલકુલ બોલતા ન હતા.
પાપા એ કોઈ વાત ન કહી: જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર પછી તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓ લગભગ 41 દિવસ સુધી દાખલ રહ્યા. આવી સ્થિતિમાં, સમયાંતરે એવા સમાચાર આવતા હતા કે રાજુ શ્રીવાસ્તવ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના શરીરના ભાગોમાં પણ હલનચલન થઈ રહી છે. પરંતુ હવે તેમની પુત્રીએ જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ થયા પછી કંઈ પણ ન બોલ્યા.
અંતરા મુજબ, તેની માતાની હાલત ઠીક નથી અને તેના પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. અંતરાએ જણાવ્યું કે મુંબઈમાં પ્રાર્થના સભામાં શામેલ થયા પછી હવે તેનો પરિવાર દિલ્હી પરત ફરશે. ત્યાર પછી તે રાજુ શ્રીવાસ્તવના હોમટાઉન કાનપુરમાં પણ જશે જ્યાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે અંતરા સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેના પિતાએ હોસ્પિટલમાં કોઈ વાત કહી નથી. હું આજે રાત્રે મમ્મી સાથે મુંબઈ જવા નીકળી રહી છું. તે ઠીક નથી. આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે ટૂંક સમયમાં દિલ્હી પરત આવીશું. ત્યાં ઘણી બધી વિધિઓ ચાલી રહી છે. કાનપુર પિતાનું ઘર હતું. તેથી, અમારે ત્યાં પણ પૂજા કરવાની છે. ‘પાપા હોસ્પિટલમાં કંઈ પણ બોલતા ન હતા.
આ રીતે શરૂ થઈ રાજુ શ્રીવાસ્તવની કારકિર્દી: વાત કરીએ રાજુ શ્રીવાસ્તવના કામની તો તેમણે વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તેઝાબ’થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેમણે ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’, ‘વાહ તેરા ક્યા કહના’, ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’, ‘બાઝીગર’, ‘મિસ્ટર આઝાદ’, ‘મૈને પ્યાર કિયા’ અને ‘બિગ બ્રધર’ જેવી ઘણી ફિલ્મોમાં કોમેડીનો તડકો લગાવ્યો.
સાથે જ ટીવીની દુનિયામાં રાજુ શ્રીવાસ્તવે ‘દેખ ભાઈ દેખ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમણે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’, ‘કોમેડી સર્કસ’, ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’, ‘શક્તિમાન’ જેવા ટીવી શોમાં પોતાનું ટેલેંટ બતાવ્યું. જો કે, દરેકને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી.