40 ની ઉંમરમાં દુનિયા છોડી ગયા હતા રામાયણના ભરત, પહેલા મળ્યો હતો લક્ષ્મણનો રોલ પરંતુ….

બોલિવુડ

રામ ભક્ત લે ચલા રે રામની નિશાની… રામાનંદ સાગરની પ્રખ્યાત સીરીયલ ‘રામાયણ’ માં શ્રી રામના વનવાસ પછી જ્યારે ભરત અને રામનો સંવાદ થાય છે તે સમયે આ ગીત વાગે છે તો દરેકની આંખો ભીની થઈ જાય છે. આ ગીત સાંભળીને આજે પણ લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. ભગવાન શ્રી રામનું ભાઈ સાથે મિલન દર્શનીય હતું. ત્યાર પછી જ્યારે ભરતજી શ્રી રામને મળીને જાય છે તો આ ગીત આ સીનને અમર બનાવે છે.

‘રામાયણ’માં બતાવવામાં આવ્યું છે કે ભરતજી તેના મોટા ભાઈ ભગવાન શ્રી રામના ખડાઉ પોતાના માથા પર રાખીને અને આંખમાં આંસૂ લઈને પરત અયોધ્યા જવા લાગે છે. પોતાના મોટા ભાઈની ગેરહાજરીમાં ભરતે અયોધ્યાના રાજસિંહાસન પર શ્રી રામની જગ્યા પર ક્યારેય ન બેસવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે રાજસિંહાસન પર શ્રીરામના ચરણ પાદુકાને જગ્યા આપી હતી. રામાયણના મુખ્ય પાત્રોને લઈને ઘણીવાર ચર્ચાઓ થાય છે. પરંતુ ‘રામાયણ’માં ભરતનું પાત્ર નિભાવનાર અભિનેતા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તમને ભરતજીનો રોલ નિભવતા અભિનેતા વિશે જણાવીએ.

અમર થઈ ગયું ભરતનું પાત્ર: જણાવી દઈએ કે રામાયણમાં ‘ભરતજી’નું પાત્ર જે અભિનેતાએ નિભાવ્યું હતું તેનું નામ સંજય જોગ હતું. સંજય જોગે પોતાની સરળ એક્ટિંગથી ભરતના પાત્રને અમર બનાવ્યું. જે પ્રેમ અને સમ્માન ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને રાવણનું પાત્ર નિભાવતા કલાકારોને મળ્યું તે પ્રેમ અને સમ્માનના હકદાર સંજય જોગ પણ રહ્યા. ભરતના પાત્રમાં તે ખૂબ ફિટ જોવા મળ્યા. કમનસીબે સંજય આજે આપણી સાથે નથી. તે લગભગ 26 વર્ષ પહેલાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. માત્ર 40 વર્ષની ઉંમરે આ સ્ટારે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

સંજય જોગનો જન્મ 24 સપ્ટેમ્બર 1955 માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. 1980-90 ના સમયમાં સંજય ટીવીના એક પ્રખ્યાત અભિનેતા કહેવાયા. એવું કહેવામાં આવે છે કે તેણે એરફોર્સ પાઇલટ બનવાનું સપનું જોયું હતું, જો કે તેની માતા તેની વિરુદ્ધ હતી અને પછી સંજય જોગ એક્ટિંગની દુનિયામાં આવ્યા.

50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે: આ વાત વિશે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે સંજય જોગ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે સંજય જોગ 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા. તેમાં કેટલીક હિન્દી અને ગુજરાતી ફિલ્મો પણ શામેલ છે. 50 માંથી તેણે 30 ફિલ્મો મરાઠી ભાષામાં કરી હતી. હિન્દી સિનેમામાં સંજયે પોતાનો પગ ફિલ્મ ‘જીગરવાલા’ થી મુક્યો હતો. આ ફિલ્મ વર્ષ 1991 માં રિલીઝ થઈ હતી. પછી અન્ય ઘણી ફિલ્મમાં સંજય જોવા મળ્યા.

પહેલા લક્ષ્મણનો રોલ થયો હતો ઓફર: એવું કહેવામાં આવે છે કે સંજય જોગને પહેલા લક્ષ્મણની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી અને જ્યારે તેણે તેના માટે ઓડિશન આપ્યું ત્યારે તે રિજેક્ટ થયા હતા. પરંતુ પછી તેમણે ભરતના પાત્ર તરીકે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમને ભરતની ભૂમિકા મળી જેને તેમણે અમર કર્યું.

40 વર્ષની ઉંમરમાં થઈ ગયું નિધન: ખૂબ જ નાની ઉંમરે સંજય જોગ દુનિયાને અલવિદા કહી ગયા હતા. 27 નવેમ્બર 1995 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનનું કારણ લીવર ફેલ હોવાનું જણાવવામાં આવે છે.