દિવાળી પછી શા માટે ઉજવવામાં આવે છે ભાઈ બીજ, જાણો અહિં

ધાર્મિક

ભારત તહેવારોનો દેશ છે જ્યાં એક પછી એક તહેવાર આવતા રહે છે. હિન્દુ ધર્મમાં તો દરરોજ તહેવાર ઉજવવામાં આવે છે. ક્યારેક કોઈ દિવસને લઈને તો ક્યારેક કોઈ સંબંધને લઈને તહેવારો આવતા રહે છે. દિપાવલીના બીજા દિવસે બેસતું વર્ષ અને તેના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ અને બહેનના સંબંધોને મજબૂત બનાવનારો છે, જેમાં બહેન પોતાના ભાઈના આશીર્વાદ મેળવે છે અથવા તેના નાના ભાઈને આશીર્વાદ આપે છે. દિવાળીનો આ ભાઈ બીજનો તહેવાર રક્ષાબંધન જેવો જ પ્રખ્યાત છે પણ તેમાં રાખડી બાંધવામાં આવતી નથી. દિવાળી પછી શા માટે ઉજવવામાં આવે છે ભાઈ બીજ, તેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ અને તેને ઉજવવાની રીત પણ જાણવી જ જોઇએ.

દિવાળી પછી શા માટે ઉજવવામાં આવે છે: એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્ય નારાયણની પત્ની છાયાએ યમરાજ અને યમુના નામના બે બાળકોને જન્મ આપ્યો હતો. યમુના હંમેશાં યમરાજને આગ્રહ કરતી હતી તે તેમના મિત્રો સાથે આવીને તેના ઘરે ભોજન કરે અને એક દિવસ યમુનાએ યમરાજને તેના વચનમાં બાંધી દીધા. આ પછી, યમરાજ તેના વચનને કારણે તેની બહેનના ઘરે આવ્યા અને તેની બહેનના ઘરે આવતા સમયે યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કર્યા હતા. કાર્તિક મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે જ્યારે યમરાજ યમુનાના ઘરે પહોંચ્યા ત્યારે યમુનાની ખુશીનું ઠેકાણું ન રહ્યું અને યમુનાએ સ્નાન કરીને પૂજા કરી અને ભોજન બનાવ્યું હતું. જે પછી યમુનાએ કહ્યું કે તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવતા રહો, આ સાથે મારી જેવી દરેક બહેન આ દિવસની ઉજવણી કરી શકે છે, યમરાજે તથાસ્તુ કહીને યમુનાને ખુશ કર્યા, તે દિવસથી આ દિવસ ભાઈ બીજ તરીકે આખા દેશમાં ઉજવાવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે જે લોકો આ તહેવાર ઉજવે છે તેમને ક્યારેય યમરાજનો ડર લાગતો નથી.

આ રીતે ઉજવો ભાઈ બીજ: ભાઈ બીજની ઉજવણી કરવા માટે સૌ પ્રથમ બહેનોએ તેમના ભાઈઓ પાસેથી તેલ લઈ ગંગા યમુનાના જળમાં સ્નાન કરવું જોઈએ. જો આ કરવું શક્ય ન હોય તો, પછી માત્ર પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પછી બહેન ભાઈને શુભ સમયમાં તિલક કરે છે. આ માટે સૌથી પહેલા ભાઈને ચોકી પર બેસાડો અને તેના હાથમાં એક શ્રીફળ આપો જેથી તેનું જીવન લાંબું થાય. આ પછી ભાઈના કપાળ પર તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. આ સિવાય બહેન આ ખાસ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવીને તેને ઘરના ઉંબરાની બહાર રાખો અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી યમની ખરાબ દ્રષ્ટિ તેના ભાઈ પર ક્યારેય પડતી નથી.

1 thought on “દિવાળી પછી શા માટે ઉજવવામાં આવે છે ભાઈ બીજ, જાણો અહિં

Leave a Reply

Your email address will not be published.