પતિ હિમાલય સાથે લાઈવ શોમાં ભાગ્યશ્રીનું છલક્યું દર્દ, જણાવ્યું- શા માટે માતા-પિતાની વિરુદ્ધ જઈને કર્યા લગ્ન

બોલિવુડ

વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ દ્વારા રાતોરાત સુપરસ્ટાર બનેલી પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી પોતાના પતિ હિમાલય દાસાની સાથે પ્રખ્યાત ટીવી શો ‘સ્માર્ટ જોડી’માં આવી છે. અહીં ભાગ્યશ્રીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. આ શોમાં ભાગ્યશ્રીએ પોતાના લગ્ન વિશે પહેલી વખત વાત કરી છે અને જણાવ્યું કે કઈ સ્થિતિમાં તેણે હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા.

ખરેખર, ‘સ્માર્ટ જોડી’ શોમાં ભાગ્યશ્રી અને તેના પતિના લગ્નને રીક્રિએટ કરવામાં આવ્યા હતા. શોમાં ભાગ્યશ્રી અને હિમાલયે એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી હતી. આ દરમિયાન ભાગ્યશ્રી આ બધુ જોઈને ઈમોશનલ થઈ ગઈ અને તેમણે પોતાના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો કરી.

ભાગ્યશ્રીએ કહ્યું, “મારા તરફથી લગ્નમાં કોઈ ન હતું, સિવાય કે તેમના(હિમાલય દાસાની). જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે હું તેમની (હિમાલય દાસાની) સાથે લગ્ન કરવા ઈચ્છું છું, ત્યારે તેઓ સંમત ન થયા. માતા-પિતાના તેમના બાળકો માટે ઘણા સપના હોય છે, પરંતુ બાળકોના પોતાના સપના પણ હોય છે અને કેટલીકવાર, તેમના સપના તેમને જીવવા દેવા જોઈએ. કારણ કે છેવટે, તેમનું જીવન છે, તેમને જ જીવવાનું છે.”

ભાગ્યશ્રીએ આગળ કહ્યું કે,”જ્યારે લોકો અને મીડિયા કહે છે કે મેં ભાગીને લગ્ન કર્યા છે, ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે, કારણ કે મેં ભાગીને લગ્ન નથી કર્યા. હા, હિમાલયજી મારો પહેલો પ્રેમ હતા અને હા, મેં તેમની સાથે લગ્ન કર્યા. પરંતુ એક સમય એવો હતો જ્યારે અમે અલગ થઈ ગયા હતા. અને હું એવું અનુભવી રહી હતી કે ‘શું થશે જો હું તેમને મારા જીવનમાં ન મળું અને મેં કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા? તે લાગણી આજે પણ યાદ આવે છે તો ડર લાગે છે.” આ દરમિયાન ભાગ્યશ્રી રડવા લાગી, આ બધું સાંભળીને શોના અન્ય સ્પર્ધકોની આંખોમાં પણ આંસુ આવી ગયા.

જણાવી દઈએ કે, ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ની સફળતા પછી જ ભાગ્યશ્રીએ વર્ષ 1990માં હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા. આ બંને ફિલ્મના સેટ પર જ એકબીજાને દિલ આપી બેઠા હતા અને અવારનવાર હિમાલય, ભાગ્યશ્રીને મળવા જતા હતા. ભાગ્યશ્રી અને હિમાલયની લવ સ્ટોરી વિશે સુપરસ્ટાર સલમાન ખાન જાણતા હતા અને અવારનવાર ભાગ્યશ્રીને ચિડવતા હતા.

ભાગ્યશ્રી અને હિમાલય હવે બે બાળકોના માતા-પિતા છે. તેમનો પુત્ર અભિમન્યુ દાસાની ફિલ્મોમાં કામ કરે છે, જ્યારે તેમની પુત્રી અવંતિકા દાસાની ટૂંક સમયમાં બોલીવુડની દુનિયા તરફ વળવા જઈ રહી છે.

જણાવી દઈએ કે, જ્યારે ભાગ્યશ્રીને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ સફળ થયા પછી તેમણે બોલિવૂડની દુનિયાથી અંતર શા માટે બનાવી લીધું? તો તેમણે કહ્યું હતું કે, “તે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ મેં મારા પરિવારને પસંદ કર્યો કારણ કે તે સમયે હું માતા બની ચુકી હતી. આવી સ્થિતિમાં, જો કારકિર્દી તરફ આગળ વધી હોત તો બાળકોને શિક્ષણ આપી શકી ન હોત. મને જે સંસ્કાર માતા-પિતા તરફથી મળ્યા કદાચ હું મારા બાળકોને આપી શકી ન હોત. જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાં છો ત્યારે પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે.”