આ એક ભૂલના કારણે એશ્વર્યાથી દૂર થઈ ગયા હતા વિવેક, કહ્યું હતું- હું ખૂબ જ લકી છું કે મારા જીવનમાં…..

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ટોપ સ્થાન ધરાવતી એશ્વર્યા રાય બચ્ચને દુનિયાભરમાં નામ કમાવ્યું છે. ફિલ્મી દુનિયામાં પગ મૂકતા પહેલા જ તેણે પોતાનું નામ રોશન કર્યું હતું. જણાવી દઈએ કે વર્ષ 1994માં એશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની હતી.

એશ્વર્યાએ પોતાનું અને પોતાના દેશ ભારતનું નામ ખૂબ જ નાની ઉંમરમાં રોશન કર્યું હતું. વિશ્વ સુંદરી રહી ચુકેલી એશ્વર્યાની સુંદરતાની દરેક લોકો પ્રસંશા કરે છે. સાથે જ તેણે તેટલી જ પ્રસંશા પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પણ મેળવી છે. વિશ્વ સુંદરી બન્યા પછી એશ્વર્યાએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો.

એશ્વર્યાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય સિનેમાથી થઈ હતી. વર્ષ 1997માં તે ફિલ્મ ‘ઈરુવર’માં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક મણિરત્નમે કર્યું હતું. ત્યાર પછી તેણે ફિલ્મ ‘જીન્સ’માં કામ કર્યું હતું, જેનાથી તેને લોકપ્રિયતા મળી હતી.

એશ્વર્યાએ ટૂંક સમયમાં હિન્દી સિનેમામાં પણ પોતાનો પગ મૂક્યો હતો. તેની બોલિવૂડમાં પહેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ હતી. વર્ષ 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં એશ્વર્યા સાથે અભિનેતા બોબી દેઓલે કામ કર્યું હતું. બોલિવૂડમાં એશ્વર્યાને પહેલી સફળતા વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’થી મળી હતી.

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં એશ્વર્યાએ અજય દેવગણ અને સલમાન ખાન જેવા બે મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પર એશ્વર્યા અને સલમાન ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના અફેરે ખૂબ હેડલાઇન્સ બનાવી અને બંનેના બ્રેકઅપ એ પણ ખૂબ હેડલાઇન્સ બનાવી.

સાથે જ સલમાન સાથે બ્રેકઅપને લઈને એશ્વર્યાએ કહ્યું હતું કે, “હું મારા સ્વમાન, પરિવાર અને ભલા માટે સલમાન ખાન સાથે ફરી ક્યારેય કામ નહીં કરું. તે મારા જીવનનું ખરાબ સપનું હતું, ભગવાનનો આભાર છે કે હવે તે ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે.”

સલમાન અને એશ્વર્યાનો સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો ન હતો પરંતુ તેમના અફેરની ખૂબ ચર્ચાઓ થઈ હતી. સલમાનથી અલગ થયા પછી એશ્વર્યાનું નામ અભિનેતા વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. પરંતુ આ બંને કલાકારો વચ્ચેના સંબંધને પણ કોઈ મંજિલ મળી શકી ન હતી. વિવેક અને એશ્વર્યા વચ્ચેની નિકટતા ફિલ્મ ‘ક્યો હો ગયા ના’ ના સેટ પર વધી હતી.

એશ્વર્યાએ ક્યારેય વિવેક સાથે તેના સંબંધ વિશે કશું કહ્યું ન હતું. સાથે જ વિવેક આ વાતનો સ્વીકાર કરી ચુક્યા હતા કે તે એશ્વર્યા સાથે સંબંધમાં છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન એશ્વર્યા સાથે પોતાના સંબંધ વિશે ખુલાસો કર્યો હતો. વાત છે વર્ષ 2005ની જ્યારે તે એક ઈન્ટરવ્યુનો ભાગ બન્યા હતા.

ઈન્ટરવ્યુમાં વિવેકે કહ્યું હતું કે, “હા, હું ખૂબ જ નસીબદાર છું કે તેના જેવી સુંદર છોકરી મારા જીવનમાં છે. તે ખરેખર સારી છે.” સાથે જ તેણે સલમાન સાથે પોતાના વિવાદ વિશે કહ્યું હતું કે, “મેં તે સમયે તે જ કર્યું જે મારી જગ્યાએ કોઈપણ વ્યક્તિએ પોતાના પ્રેમને બચાવવા માટે કર્યું હોત. મને સલમાન સાથે કોઈ સમસ્યા નથી, તે ખૂબ જ રસપ્રદ વ્યક્તિ છે, પરંતુ જો કોઈ મારા અંગત જીવનમાં સમસ્યા ઊભી કરે તો હું બીજું શું કરી શકું.”

જ્યારે સલમાનનો એશ્વર્યા સાથે વિવાદ થયો અને એશ્વર્યાનું નામ વિવેક સાથે જોડાવા લાગ્યું હતું ત્યારે સલમાને વિવેકને એશ્વર્યાથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરંતુ એક વખત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવેકે સલમાન સાથે થયેલી વાતચીત વિશે મીડિયાને જણાવ્યું હતું. સાથે જ તેણે તેના અને એશ્વર્યાના સંબંધ પર પણ મહોર લગાવી દીધી હતી, પરંતુ એશ્વર્યા આ વાતથી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે વિવેક સાથે પણ સંબંધ સમાપ્ત કરી દીધો હતો.