આ વખતે રક્ષાબંધન પર બનશે ‘ગજ કેસરી યોગ’, જાણો રાખડી બાંધવાનો શુભ સમય

ધાર્મિક

હિન્દુ પંચાંગ મુજબ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ વર્ષે 22 ઓગસ્ટ 2021 ના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને ધૂમધામથી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. જ્યારે ભાઈ તેની બહેનને ગિફ્ટ આપે છે. આ તહેવાર બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ભાઈને રાખડી બાંધવાથી તેનું આયુષ્ય વધે છે.

સાથે જ આ વખતે રક્ષાબંધનનો તહેવાર વધુ ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે રક્ષાબંધન પર ગજકેસરી યોગ બની રહ્યો છે. ગજકેસરી યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ રક્ષાબંધનના દિવસે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે અને દેવગુરૂ બૃહસ્પતિ આ સમયે કુંભ રાશિમાં જ બિરાજમાન છે. સાથે જ આ વખતે રક્ષાબંધનના દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રનો સંયોગ રહેશે. આ સંયોગથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગજ કેસરી યોગ ખૂબ જ શુભ પરિણામ આપે છે.

ક્યારે બાંધવી રાખડી: ભદ્રા અને રાહુકાલ દરમિયાન ક્યારેય રાખડી ન બાંધવી જોઈએ. આ બંને સમયને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભદ્રા અને રાહુકાલમાં કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જ્યોતિષીઓ મુજબ આ વખતે રક્ષાબંધન સંપૂર્ણપણે ભદ્રામુક્ત રહેશે. ભદ્રા સવારે 6:15 વાગ્યે જ સમાપ્ત થશે. તેથી તમે આ વખતે આખો દિવસ રાખડી બાંધી શકો છો. સાથે જ અમૃત ચોઘડિયા મુહૂર્ત રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન તમે રાખડી બાંધશો તો વધુ સારું રહેશે.

એવું માનવામાં આવે છે કે જો બહેનો અમૃત મુહૂર્તમાં તેમના ભાઈને રાખડી બાંધે છે, તો તેનાથી ભાઈને લાંબું આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય મળે છે. આ વખતે રક્ષાબંધન પર અમૃત મુહૂર્ત સવારે 10.45 થી 12.22 ની વચ્ચે રહેશે. અમૃત મુહૂર્ત ઉપરાંત બહેનો અન્ય શુભ ચોઘડિયામાં પણ પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે છે. જોકે સાંજે 4:30 થી સાંજના 6 વાગ્યા દરમિયાન રાહુ કાળ રહેશે. તેથી આ સમય દરમિયાન રાખડી ન બાંધો. આ સમય સારો માનવામાં આવતો નથી અને આ સમય દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ છે. રાખડી બાંધવાનો શુભ સમય 22 ઓગસ્ટ 2021, રવિવારે સવારે 05:50 વાગ્યાથી સાંજે 06:03 વાગ્યા સુધી છે. રક્ષાબંધન માટેનો શ્રેષ્ઠ સમય 01:44 વાગ્યાથી 04:23 વગ્યા સુધી છે.

આ રીતે બાંધવામાં આવે છે રાખડી: રાખડી બાંધતા પહેલા ભાઈના કપાળ પર તિલક લગાવવામાં આવે છે. ભાઈને તિલક લગાવીને તેના જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. પછી તેને મીઠાઈ ખવડાવામાં આવે છે. ત્યાર પછી ભાઈની આરતી કરવામાં આવે છે. ભાઈ પછી થાળીમાં બહેનો માટે શુકન મૂકે છે. જો બહેન મોટી હોય, તો ભાઈ તેના પગને સ્પર્શ કરીને તેની પાસેથી આશીર્વાદ પણ લે છે.

રાખો આ બાબતોનું ધ્યાન: રક્ષાબંધનના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. કાણા રંગને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ દિવસે કાળા કપડા ન પહેરવા અને સાથે જ જે રાખડી પોતાના ભાઈને બાંધો તેમાં કાળો રંગ ન હોય. ભાઈને રાખડી બાંધતી વખતે ધ્યાનમાં રાખો કે તેનો ચહેરો દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ. આ દિશામાં ચહેરો હોવો યોગ્ય માનવામાં આવતું નથી. ભાઇને તિલક સમયે અક્ષત લગાવવા માટે તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો.