દિગ્ગ્ઝ સંગીતકાર બપ્પી લહિરીનું થયું નિધન, 69 વર્ષની ઉંમરમાં લીધો છેલ્લો શ્વાસ, જાણો તેમના નિધનનું કારણ

બોલિવુડ

દેશ અને સંગીતની દુનિયા હજુ દિગ્ગ્ઝ અને શ્રેષ્ઠ સિંગર લતા મંગેશકરજીના નિધના આઘાતમાંથી બહાર નીકળી શકી ન હતી કે મનોરંજન જગતમાંથી એક અન્ય હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના એક અન્ય દિગ્ગજ સિંગરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કરોડો દિલો પર રાજ કરનાર બપ્પી લહિરી હવે આપણી વચ્ચે નથી રહ્યા. બુધવારે સવારે બપ્પી દાનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.

બપ્પી દાના નિધનથી સંગીત જગત અને દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક બપ્પી દાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મંગળવારે બપ્પી દાને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહિં. 69 વર્ષની ઉંમરમાં બપ્પી દાએ અંતિમ શ્વાસ લીધા.

ક્રિટિકેર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. દીપક નામજોશીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “લહેરીને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડતાં પરિવારજનોએ ડોક્ટરને તેમના ઘરે બોલાવ્યા હતા. તેને ફરીથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. તેમનું નિધન થઈ ગયું મધ્યરાત્રિના થોડા સમય પહેલા OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા) ના કારણે.”

બપ્પી દાને ‘ડિસ્કો કિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 27 નવેમ્બર 1952ના રોજ બપ્પી લહિરીનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. માત્ર 19 વર્ષની ઉંમરમાં જ બપ્પીએ સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. એક શ્રેષ્ઠ સિંગર હોવાની સાથે જ શ્રેષ્ઠ સંગીતકાર પણ હતા. તેમણે ઘણા હિટ ગીત ગાયા હતા અને ઘણા ગીતોમાં તેમના શ્રેષ્ઠ સંગીતથી જાન આપી હતી.

સંગીત બપ્પી દાને પોતાના માતાપિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમના પિતા અપરેશ લહિરી પણ સિંગર હતા જ્યારે તેમની માતા બંસરી લહિરી પણ સિંગર અને સંગીતકાર હતા. બંસરીએ શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતમાં નિપુણતા મેળવી હતી.

પોતાની કારકિર્દીની શરૂઆત બપ્પી દાએ વર્ષ 1972માં બંગાળી ફિલ્મ ‘દાદુ’માં ગીત ગાઈને કરી હતી. સાથે જ હિન્દી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત બીજા જ વર્ષે ફિલ્મ નાન્હા શિકારીથી કરી હતી. પરંતુ શરૂઆતના વર્ષોમાં તેમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. બપ્પી દાને મોટી ઓળખ વર્ષ 1975માં ફિલ્મ ઝખ્મીથી મળી હતી. તેમાં તેણે પ્લેબેક સિંગર તરીકે ગીત ગાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી બપ્પી લહિરીને શ્રદ્ધાંજલિ: બપ્પી દાના નિધનના સમાચારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દુઃખી થયા હતા અને તેમણે ટ્વિટ કરીને દિવંગત સિંગરને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, “શ્રી બપ્પી લહિરીજીનું સંગીત સર્વાંગી અને સુંદર રીતે વિવિધ ભાવનાઓને વ્યક્ત કરતું હતું. પેઢી દર પેઢી તેમના કાર્યો સાથે સંબંધિત છે. તેમનો જીવંત સ્વભાવ બધાને યાદ હશે. તેમના નિધનથી હું દુખી છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ”. પીએમએ ટ્વીટમાં બપ્પી સાથે એક તસવીર પણ શેર કરી છે.

MP ના CMએ કહ્યું- સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું: સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાહ સિંહ ચૌહાણે ટ્વીટ કરતા કહ્યું કે, “સિંગર, સંગીતકાર શ્રી બપ્પી લહિરીજીના રૂપમાં સંગિત જગત એ આજે પોતાનો એક અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. તે પોતાના અનોખા અવાજ અને ગીતો દ્વારા આપણા બધાના હૃદયમાં હંમેશા જીવંત રહેશે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ॥ૐ શાંતિ॥