આ વખતે 8 દિવસોની છે નવરાત્રિ, જાણો ક્યારે છે આઠમ અને નવમી તિથિ અને તેના મુહુર્ત અને પૂજા વિધિ વિશે

ધાર્મિક

દેશમાં નવરાત્રિના પવિત્ર તહેવાર સાથે તહેવારોની સીઝનની શરૂઆત થઈ ચુકી છે. હવે એક પછી એક ઘણા તહેવારો આવવાના છે. નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે અને તેની શરૂઆત 7 ઓક્ટોબરથી માતાની સ્થાપના સાથે થઈ ગઈ છે. જોકે આઠમ અને નવમી તિથિના દિવસે લોકો માતાની વિશેષ રીતે પૂજા કરે છે.

આઠમ અને નવમી બંને દિવસે માતાની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે અને માતાને ભોગ લગાવવામાં આવે છે. સાથે જ આ દિવસે કન્યા ભોજન પણ કરાવવામાં આવે છે. જો કે હિન્દુ પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે નવરાત્રિ માત્ર 8 દિવસમાં સમાપ્ત થઈ રહી છે. તે મુજબ આઠમ અને નવમી તિથિ એક જ દિવસે આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એવા સવાલ આવી રહ્યા છે કે આઠમ તિથિ ક્યારે અને નવમી તિથિ ક્યારે? તો ચાલો તેના વિશે જાણીએ.

દુર્ગા આઠમ તિથિ અને પૂજાનું શુભ મુહૂર્ત: દુર્ગા આઠમની પૂજા 13 ઓક્ટોબરે થશે. નવરાત્રિ આઠમ તિથિની શરૂઆત 12 ઓક્ટોબર રાત્રે 9:47 વાગ્યે થશે અને નવરાત્રિ આઠમ તિથિ 13 ઓક્ટોબર રાત્રે 08:06 વાગ્યે સમાપ્ત થશે.

નવમી તિથિ અને પૂજાનું શુભ મુહૂર્ત: નવમી તિથિની પૂજા 14 ઓક્ટોબરે થશે. નવમી તિથિની શરૂઆત 13 ઓક્ટોબર રાત્રે 08:07 વાગ્યે થશે અને નવમી તિથિ 14 ઓક્ટોબર સાંજે 06:52 વાગ્યે સમાપ્ત થશે.

કન્યા પૂજા વિધિ: કન્યા પૂજા દરમિયાન લોકો પોતાના ઘર પર નાની-નાની કન્યાઓને માતાના રૂપમાં આમંત્રિત કરે છે અને તેમને ભોજન કરાવે છે. જણાવી દઈએ કે છોકરીઓને બોલાવવા પર પણ ઘણા નિયમો છે. શાસ્ત્રો કહે છે કે 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાઓને આ દરમિયાન ભોજન કરાવવું જોઈએ.

જ્યારે તમારા ઘરે છોકરીઓ આવે છે ત્યારે સૌથી પહેલા જળથી તેમના પગ ધોઈ લો અને પછી તેમને ઘરમાં પ્રવેશ આપો. ઘરમાં પ્રવેશ આપ્યા પછી દરેકને સ્વચ્છ આસન પર બેસાડો. હવે માતાની સામે દીવો કરો અને માતાને તિલક કરો. ત્યાર પછી દરેક કન્યાઓને પણ તિલક કરો.

તિલક કર્યા પછી સૌથી પહેલા તૈયાર કરેલા ભોજનનો માતાને ભોગ લગાવો અને માતાને ભોગ લગાવ્યા પછી તેને કન્યાઓને પીરસો. જ્યારે દરેક કન્યાઓનું ભોજન થઈ જાય તો ઘરના દરેક લોકો કન્યાઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. હવે તમે પોતાની શ્રદ્ધા ભક્તિ મુજબ કન્યાઓને જે પણ દક્ષિણા આપવા ઈચ્છો આપી શકો છો. તેમાં રૂપિયા, ફળ, મિઠાઈ, કપડા વગેરે આપી શકો છો અને ખૂબ જ પ્રેમ સાથે તેમની વિદાઈ કરો.