મહાભારત પછી શા માટે બળી ગયો હતો અર્જુનનો રથ, જાણો આ રસપ્રદ કથા

ધાર્મિક

મહાભારતની કથા દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ હજી પણ તેના ઘણા પાસા છે જેના વિશે લોકોને વધુ જાણકારી નથી. આવી જ એક કથા છે જે અર્જુનના રથ સાથે જોડાયેલી છે. જોકે મહાભારતના યુદ્ધમાં બંને પક્ષે ઘણા લડવૈયાઓ તેમના રથ પર યુદ્ધ લડી રહ્યા હતા, પરંતુ અર્જુનનો રથ આ બધામાં વિશેષ હતો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ તેને ચલાવી રહ્યા હતા.

અર્જુનના રથના ધ્વજમાં હનુમાનજી બિરાજમાન હતા. હકીકતમાં, યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે હનુમાનજીને પ્રાર્થના કરો અને રથ પર ધ્વજ સાથે બિરાજમાન કરો. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનનું પિતામહ ભીષ્મ અને કર્ણ સહિત ઘણા યોદ્ધાઓ સાથે યુદ્ધ થયું પરંતુ તેનાથી રથને નુક્સાન ન થયું.

યુદ્ધ પૂર્ણ થયા પછી બળી ગયો રથ: મહાભારતનું યુદ્ધ જ્યારે પાંડવો જીતી ગયા, ત્યારે અર્જુન અને શ્રી કૃષ્ણ જ્યારે રથ નીચે ઉતર્યા ત્યારે રથ બળી ગયો. યુદ્ધ સમાપ્ત થતા અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે પહેલા તમે રથ પરથી નીચે ઉતરી જાઓ પરંતુ શ્રી કૃષ્ણએ અર્જુનને પહેલા ઉતરવાનું કહ્યું અને તેમની આજ્ઞાનું પાલન કરીને અર્જુન રથ પરથી ઉતરી ગયા, ત્યાર પછી શ્રી કૃષ્ણ પણ રથ પરથી ઉતરી ગયા. શેષનાગ પાતાળલોક ચાલ્યા ગયા અને હનુમાનજી રથ પરથી ગાયબ થઈ ગયા. થોડી વારમાં રથમાં આગ લાગી.

શ્રી કૃષણે જણાવ્યું શા માટે બળી ગયો રથ: અર્જુને જ્યારે રથ બળી જવા અંગે શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ રથ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્ય શસ્ત્રોના પ્રહારોથી પહેલથી જ બળી ચુક્યો હતો. પરંતુ આ રથ પર હનુમાનજી બિરાજમાન હતા, હું પોતે તેમનો સારથી હતો, આ કારણે આ રથ માત્ર મારા સંકલ્પના કારણે ચાલી રહ્યો હતો. હવે આ રથનું કામ પુર્ણ થઈ ચુક્યું છે. તેથી મે આ રથ છોડી દીધો અને તે બળી ગયો.

Leave a Reply

Your email address will not be published.