આમિર ખાન-કિરણ રાવના છૂટાછેડા: સમાપ્ત થયો 15 વર્ષનો સંબંધ, જાણો શું છે તેમના છુટાછેડાનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર ચાહકોને ખૂબ આશ્ચર્યચકિત કરી શકે છે. આમિર ખાન તેની પત્ની સાથે છૂટાછેડા લઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે કર્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે આગની જેમ ફેલાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ બાબત ચર્ચામાં આવી ગઈ છે.

આમિર ખાન અને કિરણ રાવે તાજેતરમાં એક સંયુક્ત નિવેદન જાહેર કરીને લોકોને તેમના સંબંધ તૂટવાની વાત કહી છે. બંનેએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, “આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અને ખુશી શેર કરી છે. આપણો સંબંધ માત્ર વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે. હવે અમે પોતાના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીએ છીએ. પતિ અને પત્ની તરીકે નહીં, પણ સહ માતાપિતા અને પરિવાર તરીકે. અમે થોડા સમય પહેલાં અલગ થવાની યોજના શરૂ કરી હતી. હવે આ યોજનાને ઔપચારિક રૂપ આપવામાં સહજતા અનુભવી રહ્યા છીએ.”

સંયુક્ત નિવેદનમાં આગળ કહ્યું છે કે, “અમે બંને અલગ રહેવા છતા પોતાના જીવનને એક વિસ્તૃત પરિવાર તરીકે શેર કરશું. અમે અમારા પુત્ર આઝાદ પ્રત્યે સમર્પિત માતાપિતા છીએ, જેનું પાલન-પોષણ અમે મળીને કરશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં પણ સાથી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું જેના વિશે અમે દિલથી ચિંતા કરીએ છીએ.”

પરિવાર અને મિત્રોનો માન્યો આભાર: પરિવારનો આભાર માનતા કિરણ રાવ અને આમિર ખાને આગળ કહ્યું કે, “અમારા સંબંધમાં નિરંતર સાથ અને સમજ માટે અમારા પરિવાર અને મિત્રોનો ખૂબ-ખૂબ આભાર જેના વગર અમે આ પગલું લેવામાં એટલું સુરક્ષિત અનુભવી શકતા નથી. અમે અમારા શુભચિંતકો તરફથી શુભકામનાઓ અને આશીર્વાદની આશા કરીએ છીએ અને અમારી જેમ તમે આ છુટાછેડાને અંતની જેમ નહિં, પરંતુ એક નવી સફરની શરૂઆત તરીકે જોશો. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.”

2005 માં થયા હતા આમિર-કિરણના લગ્ન: આમિર ખાન અને કિરણ રાવની પહેલી મુલાકાત આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. આમિરે લગાનમાં મુખ્ય ભુમિકા નિભાવી હતી અને કિરણ રાવે આ ફિલ્મમાં આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા અને પછી બંનેએ લગ્ન પણ કરી લીધા. 28 ડિસેમ્બર 2005 ના રોજ લગ્ન કર્યા પછી બંને એક થઈ ગયા. વર્ષ 2011 માં બંને સરોગસી દ્વારા એક પુત્ર આઝાદ રાવ ખાનના માતાપિતા બન્યા હતા. જણાવી દઈએ કે કિરણ સાથે લગ્ન કરતા પહેલા આમિર ખાનના છૂટાછેડા થયા હતા.

રીના દત્તા સાથે કર્યા હતા પહેલા લગ્ન: કિરણ રાવ સાથે લગ્ન પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. રીના અને આમિરના લગ્ન વર્ષ 1986 માં થયા હતા. આમિર અને રીનાએ પોતાના લગ્ન વર્ષ 2002 માં 16 વર્ષ પછી સમાપ્ત કરી લીધા હતા. આમિર અને રીનાને બે બાળકો છે, જેના નામ આયરા ખાન અને જુનૈદ ખાન છે.