અક્ષય કુમારની પહેલી અભિનેત્રી 16 વર્ષ પછી બોલિવૂડમાં કરી રહી છે કમબેક, જાણો કઈ ફિલ્મથી કરશે કમબેક

બોલિવુડ

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અક્ષય કુમારને બોલિવૂડમાં કામ કરતા 31 વર્ષનો સમય થઈ ગયો છે. અક્ષય કુમાર છેલ્લા ત્રણ દાયકાથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો લાવનાર અક્ષયે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં કરી હતી.

અક્ષયની પહેલી ફિલ્મનું નામ ‘સૌગંધ’ હતું. સૌગંધમાં અક્ષય સાથે અભિનેત્રી શાંતિ પ્રિયાએ કામ કર્યું હતું. જણાવી દઈએ કે અક્ષયની સાથે જ ફિલ્મ ‘સૌગંધ’ શાંતિપ્રિયાની પણ પહેલી ફિલ્મ હતી. શાંતિપ્રિયાની ફિલ્મી કારકિર્દી ખૂબ ટૂંકી રહી છે, જોકે હવે વર્ષો પછી તે કમબેક કરવાના મૂડમાં છે.

અક્ષય કુમાર સાથે ‘સૌગંધ’માં કામ કરવા ઉપરાંત, તેમણે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ફૂલ ઔર અંગાર માં અને લોકપ્રિય અભિનેતા સની દેઓલ સાથે વીરતા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મો ઉપરાંત શાંતિપ્રિયાએ અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

90ના દાયકાના દર્શકોએ શાંતિપ્રિયાનું કામ ખૂબ પસંદ કર્યું હતું, જોકે અચાનક શાંતિપ્રિયા બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી. શાંતિપ્રિયાએ પોતાની કારકિર્દીમાં ખરાબ તબક્કો પણ જોયો છે. શાંતિપ્રિયાએ વર્ષ 1998માં દિવંગત અભિનેતા સિદ્ધાર્થ રે સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2004માં સિદ્ધાર્થ રેનું નિધન થઈ ગયું હતું.

યુવાનીમાં શાંતિપ્રિયા વિધવા થઈ ગઈ હતી. પતિના અકાળે નિધનનને કારણે શાંતિપ્રિયાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ. જોકે, હવે ચાહકો માટે એક સારા સમાચાર એ છે કે 16 વર્ષની લાંબી રાહ પછી શાંતિપ્રિયા મોટા પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં જ શાંતિપ્રિયા રેમ્પ વોક કરતા જોવા મળી હતી. ત્યાર પછી, હવે એવા સમાચાર છે કે 52 વર્ષની શાંતિપ્રિયા બોલિવૂડમાં કમબેક કરશે. જણાવી દઈએ કે શાંતિપ્રિયાએ છેલ્લી વખત રેમ્પ વોક વર્ષ 2006માં કર્યું હતું અને હવે તાજેતરમાં જ તે 16 વર્ષની લાંબી રાહ પછી રેમ્પ વોક કરતા જોવા મળી છે.

શાંતિપ્રિયાએ પોતે જણાવ્યું છે કે તે 16 વર્ષ પછી રેમ્પ વોક કરી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે મેં છેલ્લી વખત 2006માં રેમ્પ વોક કર્યું હતું. તે પર પરત જવું મારા માટે ખૂબ જ આનંદદાયક હતું. એક ડાન્સર હોવાને કારણે મને પરફોર્મ કરવાની આદત છે અને તેથી લાંબા સમય પછી આ વોક કરવાથી મને બિલકુલ ગભરાટ થયો નથી.

બોલિવૂડથી દૂર રહેવા પર પણ કરી વાત: શાંતિપ્રિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન વર્ષો સુધી બોલિવૂડથી દૂર રહેવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, “મને કોઈ અફસોસ નથી. મે એક માતા અને પત્નીની જવાબદારી નિભાવવા માટે બ્રેક લીધો હતો. મેં મારી ફરજ પૂરી કરી અને પરત આવી ગઈ જેની સાથે હું જોડાયેલી છું.”

આ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે શાંતિપ્રિયા: શાંતિપ્રિયાની આગામી ફિલ્મનું નામ ‘સરોજિની’ છે. આ તેની હિન્દી સિનેમામાં કમબેક ફિલ્મ સાબિત થશે. ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે હિન્દી સહિત કન્નડ, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ શકે છે.