24 વર્ષ પછી ફરીથી બોલીવુડમાં જોવા મળશે ‘રામાયણ’ ના રામ, પહેલા આ 10 ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ

બોલિવુડ

ઐતિહાસિક ટીવી સિરિયલ ‘રામાયણ’માં ભગવાન શ્રી રામની અવિસ્મરણીય ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેતા અરુણ ગોવિલ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં કમબેક કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે નાના પડદા પર ધૂમ મચાવનાર અરુણ ગોવિલ મોટા પડદા પરથી કમબેક કરીને ચાહકોને ગિફ્ટ આપવા જઈ રહ્યા છે.

અરુણ ગોવિલનું બોલીવુડમાં કમબેક સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ સાથે થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અરુણ ગોવિલ ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. જણાવી દઈએ કે અરુણ ગોવિલને મુખ્ય રીતે રામાયણમાં નિભાવેલી ભગવાન શ્રી રામની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. જો કે તમને જણાવી દઈએ કે તે હિન્દી સિનેમાની પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તો ચાલો જાણીએ કે અરુણ ગોવિલ આ પહેલા કઈ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

પહેલી (1977): હિન્દી સિનેમામાં પોતાનો પગ અરુણ ગોવિલે વર્ષ 1977માં મૂક્યો હતો. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘પહેલી’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે બલરામની ભૂમિકા નિભાવી હતી, જોકે ફિલ્મ દર્શકોને બહુ પસંદ આવી ન હતી.

સાવન કો આને દો (1979): કહેવાય છે કે અરુણ ગોવિલને વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘સાવન કો આને દો’થી સારી ઓળખ મળી હતી. તે એક મ્યુઝિકલ-રોમેન્ટિક ફિલ્મ હતી અને તેની સફળતા પછી અરુણ ગોવિલ ‘સ્ટાર ઑફ ટુમોરો’ તરીકે ઓળખાવા લાગ્યા.

અય્યાશ (1982): સાવન કો આને દોની સફળતા પછી અરુણે ‘અય્યાશ’ ફિલ્મમાં કામ કર્યું જે વર્ષ 1982 માં રીલિઝ થઈ હતી. અરુણ ગોવિલે આ ફિલ્મમાં સંજીવ કુમાર અને મદન પુરી જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. શક્તિ સાંમત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અરુણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

ભૂમિ (1982): જે વર્ષે અય્યાશ રીલિઝ થઈ હતી તે જ વર્ષે અરુણની એક અન્ય ફિલ્મ ‘ભૂમિ’ એ પણ મોટા પડદા પર દસ્તક દીધી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, આ ફિલ્મ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી જે બ્રિજ ભાષા પર બની હતી. રામાયણમાં સંગીત આપનાર મહાન સંગીતકાર રવિન્દ્ર જૈને ‘ભૂમિ’માં સંગીત આપ્યું હતું.

હિમ્મતવાલા (1983): વર્ષ 1983માં પણ મોટા પડદા પર અરુણ ગોવિલ જોવા મળ્યા હતા. ફિલ્મનું નામ હતું ‘હિમ્મતવાલા’. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને તેમની સાથે અરુણ ગોવિલ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી.

બાદલ (1985): શમ્મી કપૂર, મિથુન ચક્રવર્તી, શક્તિ કપૂર, પૂનમ ઢિલ્લોન, મદન પુરી અને રાજેન્દ્ર નાથ જેવા કલાકારો સાથે અરુણ ગોવિલે 1985માં આવેલી ફિલ્મ ‘બાદલ’માં કામ કર્યું હતું. આનંદ સાગર દ્વારા નિર્દેશિત તે એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી.

શિવ મહિમા (1992): જ્યાં નાના પડદા પર અરૂણ ભગવાન રામની ભુમિકામાં જોવા મળ્યા તો સાથે જ મોટા પડદા પર તે ભગવાન શિવની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘શિવ મહિમા’માં તે શિવજીના પાત્રમાં જોવા મળ્યા હતા.

કાનૂન (1994): હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અજય દેવગણના મોટા ભાઈની ભૂમિકા પણ અરૂણ મોટા પડદા પર નિભાવી ચુક્યા છે. અજય સાથે અરુણે વર્ષ 1994માં ફિલ્મ ‘કાનૂન’માં કામ કર્યું હતું.

દો આંખે બારહ હાથ (1997): મોટા પડદા પર અરૂણ ગોવિલ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં પણ જોવા મળી ચુક્યા છે. જણાવી દઈએ કે દો આંખે બારહ હાથ ફિલ્મમાં સુપરસ્ટાર ગોવિંદાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સાથે જ વર્ષ 1997માં આવેલી આ ફિલ્મમાં અરુણે પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવી હતી.

લવ કુશ (1997): મોટા પડદા પર છેલ્લી વખત અરૂણ 24 વર્ષ પહેલા 1997માં આવેલી ફિલ્મ ‘લવ કુશ’માં જોવા મળ્યા હતા. નાના પડદા પર શ્રી રામ અને મોટા પડદા પર શિવજીની ભુમિકા નિભાવી ચુકેલા અરુણે આ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવી હતી. સાથે જ હવે 24 વર્ષ પછી તે બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે કમબેક કરી રહ્યા છે.