જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન અને હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી એટલે કે એશ્વર્યા રાય બચ્ચનની જોડી ખૂબ જ લોકપ્રિય અને ચર્ચામાં છે. બંને જ્યારે પણ એકસાથે જોવા મળે છે, ત્યારે તેઓ પોતાના ચાહકોને કપલ ગોલ આપતા રહે છે. તાજેતરમાં જ બંનેએ લગ્નની 15મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને આ દરમિયાન બંનેએ એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી.
લગ્ન પછીથી અભિષેક અને એશ્વર્યાનો સાથ 15 વર્ષનો થઈ ગયો છે છે. બંને હંમેશા એકબીજા માટે એકબીજાની સાથે ઉભા રહે છે. અવારનવાર આ કપલ એકબીજા પર પ્રેમ લૂટાવતા જોવા મળે છે. અભિષેક અને એશ્વર્યાએ થોડા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી અને પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
એશ્વર્યા અને અભિષેક એકસાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ધૂમ, ગુરુ ઉપરાંત અન્ય પણ કેટલીક ફિલ્મોમાં બંનેની જોડી જામી છે. ફિલ્મ ‘ગુરુ’માં બંનેના કામની પ્રશંસા કરવામાં આવી હતી. જો કે તમને જણાવી દઈએ કે એશ્વર્યા અને અભિષેકની જોડી લાંબા સમયથી મોટા પડદા પર સાથે જોવા મળી નથી.
લગ્ન પછી એશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને અભિષેકે પણ કર્યું. જોકે બંનેને ચાહકો એકસાથે જોઈ શક્યા નથી. બંનેએ લાંબા સમયથી સાથે કોઈ ફિલ્મ કરી નથી. તાજેતરમાં જ અભિષેકને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો, જેનો જવાબ આપતા જુનિયર બચ્ચને કહ્યું હતું કે તે એશ્વર્યા સાથે કામ કરવા ઈચ્છે છે. માત્ર યોગ્ય સમય અને યોગ્ય સ્ક્રિપ્ટ હોવી જોઈએ.
અભિષેક બચ્ચને પોતાની વાત શરૂ રાખતા કહ્યું કે અમારી પાસે યોગ્ય સમય અને યોગ્ય સ્ક્રિપ્ટ હોવી જોઈએ. જ્યાં સુધી અમને તે નથી મળતી અમે સાથે કામ નથી કરી શકતા પરંતુ અમને બંનેને સાથે કામ કરવું પસંદ છે. આ દરમિયાન પોતાના ઈન્ટરવ્યુમાં અભિષેકે પોતાની પત્ની એશ્વર્યાની પણ પ્રસંશા કરી હતી.
એશ્વર્યાની પ્રસંશા કરતાં અભિષેકે કહ્યું છે કે, “એક કલાકાર તરીકે, હું તેને ખૂબ માન આપું છું અને તેની સાથે કામ કરવું મને પસંદ છે. તે એક શ્રેષ્ઠ અભિનેતા છે, તેની સાથે સેટ પર રહેવું હંમેશા યાદગાર હોય છે.” જોકે હવે જોવાનું એ છે કે તે સમય ક્યારે આવે છે જ્યારે ફરી એક વખત મોટા પડદા પર ચાહકોને એશ્વર્યા અને અભિષેકની કેમેસ્ટ્રી જોવા મળશે.
જણાવી દઈએ કે થોડા સમયના અફેર પછી એશ્વર્યા અને અભિષેકે જાન્યુઆરી 2007માં સગાઈ કરી હતી અને ત્યાર પછી બંને એપ્રિલ 2007માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્ન પછી અભિષેક અને એશ્વર્યા એક પુત્રીના માતા-પિતા બન્યા જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યા હવે 10 વર્ષની થઈ ચુકી છે.
અભિષેકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક તાજેતરમાં જ ફિલ્મ ‘દસવી’માં જોવા મળ્યા હતા. તેની સાથે યામી ગૌતમ અને નિમરત કૌરે કામ કર્યું હતું. ફિલ્મ દર્શકોને પસંદ આવી હતી. હવે અભિષેક ફિલ્મ ‘બ્રીદ-3’નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ એશ્વર્યાના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, એશ્વર્યા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી, તે હવે ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’માં જોવા મળશે. અભિનેત્રીની આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. ‘પોનીયિન સેલવન’ એક તમિલ ફિલ્મ છે જેનું નિર્દેશન મણિરત્નમ કરી રહ્યા છે.