સમગ્ર દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ ચાહકો ભારતમાં છે. ક્રિકેટ ભલે ભારતની રાષ્ટ્રીય રમત ન હોય, પરંતુ આ રમતમાં ભારતની આત્મા વસે છે. ભારતમાં ક્રિકેટને ધર્મ તરીકે માનવામાં આવે છે અને ક્રિકેટને લોકો તહેવાર તરીકે પણ ઉજવે છે. સાથે જ ભારતે જ ક્રિકેટને ભગવાન (સચિન તેંડુલકર) પણ આપ્યા છે. ક્રિકેટ એ ક્રિકેટર્સને જમીન થી આકાશ સુધી પહોંચાડ્યા છે. એવા ઘણા ઉદાહરણ તમને જોવા મળશે. જો કે આજે અમે તમને 7 એવા ભારતીય ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલા ખૂબ ગરીબ હતા પરંતુ પછી ક્રિકેટે તેમનું જીવન બદલી નાખ્યું.
જસપ્રીત બુમરાહ: જસપ્રીત બુમરાહની ગણતરી દુનિયાના સૌથી ઘાતક બોલરોમાં થાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય ભાગ છે અને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરે છે. એક સમયે બુમરાહ ખૂબ જ ગરીબ હતા. તેમની પાસે જૂતા અને કપડાં ખરીદવા માટે પણ પૈસા ન હતા પરંતુ આજે તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને તે એક લક્ઝરી જીવન જીવે છે. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. તાજેતરમાં જ તેને મુંબઈ ઈન્ડિયન્સે 12 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મોહમ્મદ સિરાજ: મોહમ્મદ સિરાજ થોડા વર્ષો પહેલા સુધી એક સામાન્ય જીવન જીવતા હતા. IPLએ સંપૂર્ણપણે તેનું જીવન બદલી નાખ્યું છે. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. છેલ્લા એક-બે વર્ષમાં સિરાજની રમતમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે, જેના કારણે તે ભારત માટે એક શ્રેષ્ઠ બોલર તરીકે ઉભરી આવ્યા છે. એક સમયે આર્થિક તંગીનો સામનો કરી રહેલા મોહમ્મદ સિરાજ આજે ભારતીય ક્રિકેટનું ઊભરતું નામ છે.
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની સ્ટોરી દરેક સારી રીતે જાણે છે. પંડ્યા બ્રધર્સે ક્રિકેટની દુનિયામાં સારું નામ કમાવ્યું છે. બંને ભાઈઓ આજે ખૂબ જ સુંદર જીવન જીવે છે અને ક્રિકેટમાંથી તેઓ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે, જોકે તેમના સ્વર્ગસ્થ પિતા પાસે ક્યારેય બંને ભાઈઓની ક્રિકેટ કીટ માટે પણ પૈસા ન હતા.
રવિન્દ્ર જાડેજા: ‘સર રવિન્દ્ર જાડેજા’ના નામથી પ્રખ્યાત રવિન્દ્ર જાડેજા રમતના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતા છે. તે શ્રેષ્ઠ બોલિંગ અને બેટિંગની સાથે તે પોતાની અદ્ભુત ફિલ્ડિંગથી પણ ખૂબ ચર્ચા મેળવે છે. જાડેજા એશો-આરામની બાબતમાં કોઈ મહારાજાથી ઓછા નથી. તમને જણાવી દઈએ કે જાડેજાએ બાળપણમાં ગરીબી જોઈ હતી, જોકે ક્રિકેટે તેમનું જીવન બદલી નાખ્યું હતું. આજે તેમની પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે.
ટી નટરાજન: ટી નટરાજન એક ફાસ્ટ બોલર છે. તે ભારત માટે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી ચુક્યા છે. સાથે જ આઈપીએલમાં નટરાજન સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. કહેવાય છે કે નટરાજનની માતાએ પોતાના 5 બાળકોનો રસ્તા પર ચિકન વેચીને ઉછેર કર્યો છે. જો કે આજે ટી નટરાજન એક શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે. જણાવી દઈએ કે ટી નટરાજનનું આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ત્યાર પછી તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં પણ જગ્યા મળી હતી.
મહેન્દ્ર સિંહ ધોની: મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતની સાથે જ દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ધોનીની ગણતરી આજે દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. પરંતુ ક્રિકેટ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની રેલ્વેમાં નોકરી કરતા હતા. જોકે ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો ઓછો થયો ન હતો. રેલવેની નોકરી છોડીને તે દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટર બનવામાં સફળ રહ્યા.