આ 5 બોલીવુડ સ્ટાર્સ કરે છે ઓર્ગેનિક ખેતી, માત્ર તેમાં ઉગેલા ફળ અને શાકભાજી જ ખાય છે, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ઓર્ગેનિક ખેતી વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. જો નથી સાંભળ્યું, તો જણાવી દઈએ કે આ પ્રકારની ખેતીમાં ફળ અને શાકભાજી ઉગાડવા માટે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાદ્ય સામગ્રિઓ અથવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાસાયણિક ખેતી દ્વારા ઉત્પાદિત ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ હંમેશા ઓર્ગેનિક ખેતીમાંથી ઉગાડેલા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. જો કે, બજારમાં ઓર્ગેનિક ખેતી કરતા લોકો ખૂબ ઓછા છે. આવી સ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કેટલાક લોકો જાતે જ ઓર્ગેનિક ખેતી કરવા લાગે છે. આપણા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઓર્ગેનિક ખેતી કરે છે અને ત્યાં ઉગાડવામાં આવતી ખાદ્ય ચીજો જ ખાય છે.

અજય દેવગણ: આંખોથી એક્ટિંગની ઊંડાઈ સુધી જનાર અજય દેવગણ પોતાના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતા શાકભાજી જ ખાય છે. તેમનું પોતાનું 28 એકરનું ફાર્મ હાઉસ છે જે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કર્જટમાં આવેલું છે. આ ફાર્મ હાઉસમાં અજય પોતાના માટે ઓર્ગેનિક ફળો અને શાકભાજીની ખેતી કરે છે. મળતી માહિતી મુજબ અહીં પપૈયાના લગભગ 4500 અને કેળાના લગભગ 2500 વૃક્ષ છે. સાથે જ આંબાના પણ સેંકડો વૃક્ષ છે. આ સાથે જ અનેક પ્રકારના શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. આ તમામ ફળ અને શાકભાજી મુંબઈમાં આવેલા અજય દેવગણના બંગલામાં જાય છે.

અમિતાભ બચ્ચન: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને માત્ર પોતાના ખેતરમાં ઉગાડવામાં આવતા શાકભાજી જ ખાય છે. તે લગભગ 6 વર્ષ પહેલા પોતાના કૃષિ ક્ષેત્રને લઈને ચર્ચામાં પણ આવ્યા હતા. બિગ બી એ લખનૌ નજીક કાકોરીમાં 2010માં લગભગ 14 એકર જમીન ખરીદી હતી. આ જમીનમાં ઉગાડવામાં આવતા શાકભાજી તેમના ઘરે આવે છે. 2011માં તેમને યુપી સીટ કોર્પોરેશન દ્વારા ખેડૂત સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા.

નાના પાટેકર: નાના પાટેકર એક અભિનેતા હોવાની સાથે એક ખેડૂત પણ છે. આ જ કારણ છે કે તેઓ ખેડૂતોની સમસ્યાઓને સારી રીતે સમજે છે અને તેમના હિતમાં નિવેદન પણ આપે છે. નાનાનું પૂના પાસેના એક ગામમાં 25 એકરનું મોટું ફાર્મ હાઉસ છે. અહીં નાના અનેક પ્રકારના શાકભાજી, ફળ અને પાક ઉગાડે છે.

ધર્મેન્દ્ર: ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે બોલીવુડની હીમેન ધર્મેન્દ્ર એક ખેડૂત પરિવારથી આવે છે. ફિલ્મોમાં નામ અને પૈસા બંને કમાવ્યા હોવા છતાં તે એક શોખ તરીકે ખેતી પણ કરે છે. ધર્મેન્દ્રનું પુણે હાઈવે પર લોનાવાલામાં 15 એકરનું એક ફાર્મ હાઉસ છે. અહીં તેઓ વિવિધ પ્રકારના ફળ અને શાકભાજીની ખેતી કરે છે. આ ઉપરાંત પંજાબના ફગવાડામાં પણ તેમનું પિતૃક ફાર્મ છે.

શિલ્પા શેટ્ટી: ફિટનેસ પ્રત્યે હંમેશા જાગૃત રહેતી શિલ્પા શેટ્ટી પણ ઓર્ગેનિક ફળ અને શાકભાજીનું મહત્વ સમજે છે. આ જ કારણ છે કે તે મોટાભાગે ઓર્ગેનિક ખોરાક ખાવાનો આગ્રહ રાખે છે. શિલ્પા પાસે કોઈ ખેતીવાડી કે ફાર્મ હાઉસ નથી, પરંતુ તે પોતાના ઘરના બગીચામાં ઓર્ગેનિક ફળ અને શાકભાજી ઉગાડે છે.