પરોપકારમાં પણ ખૂબ આગળ છે સાઉથના આ 5 સુપરસ્ટાર્સ, જાણો કેવી રીતે કરે છે લોકોની મદદ

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં સાઉથના સ્ટાર્સ ધૂમ મચાવી રહ્યા છે. તેમની ફિલ્મો એક પછી એક નવા રેકોર્ડ તોડી રહી છે. તાજેતરની જ કેટલીક ફિલ્મો જોઈએ તો તેમાં પુષ્પા હોય કે RRR કે પછી KGF2, તમામ ફિલ્મોએ કરોડોનો બિઝનેસ કર્યો છે. જોકે સાઉથના આ સ્ટાર્સ રિયલ લાઈફમાં પણ સુપરહીરો છે. તેમના કામ વિશે જાણીને તમે પણ તેમની પ્રસંશા કર્યા વગર રહી શકશો નહિં.

અભિનેતા યશ: KGF ફિલ્મ આવ્યા પછી અભિનેતા યશ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા. ત્યાર પછી તાજેતરમાં તેમની KGF 2 પણ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેમની સુંદર એક્ટિંગ જોઈને લોકો તેના દિવાના થઈ ગયા. તમને જણાવી દઈએ કે તે પોતાની પત્ની સાથે મળીને સમાજસેવા કરે છે. તેમણે માર્ગ ફાઉન્ડેશનની રચના કરી. તેના દ્વારા તેમણે કર્ણાટકના સૂકા ગામોમાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અહીંના કોપ્પલ જિલ્લામાં તેમણે 4 કરોડ રૂપિયાની મદદથી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

નાગાર્જુન: સાઉથ અભિનેતા નાગાર્જુન પહેલાથી જ બોલિવૂડમાં ખૂબ જ લોકપ્રિય છે. તે પણ સમાજ સેવાના કામમાં ખૂબ આગળ રહે છે. તેમણે તો એક જંગલ દત્તક લીધું છે. 1080 એકરનું આ જંગલ ચેંગીચેરલામાં છે, જે હૈદરાબાદથી થોડે દૂર છે. અહીં તે એક અર્બન પાર્ક બનાવવા જઈ રહ્યા છે. તેનું નામ તે તેના પિતાના નામ પર રાખવા જઈ રહ્યા છે. આ વિસ્તારના વિકાસ માટે અભિનેતાએ સીએમ ફંડમાં 2 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે.

પુનીત રાજકુમાર: પુનીત રાજકુમારનું નામ પણ પરોપકારમાં ખૂબ આગળ હતું. જોકે તે હવે આપણી વચ્ચે નથી. તાજેતરમાં તેમનું નિધન થયું છે. છતાં પણ તે પોતાના પુણ્ય કાર્યોથી હંમેશા યાદ રહેશે. પુનીત જ્યારે જીવિત હતા ત્યારે તે 1800 બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવતા હતા. આ સાથે તેઓ ઘણા અનાથાલયોની જવાબદારી પણ સંભાળતા હતા. આ સાથે જ તેમણે ગૌશાળાઓ માટે પણ મદદ કરી હતી. તેમણે પોતાની આંખોનું પણ દાન કર્યું.

મહેશ બાબુ: પરોપકારી અભિનેતાઓના લિસ્ટમાં મહેશ બાબુનું નામ પણ આવે છે. તેમણે બે ગામ દત્તક લીધા છે. એક ગામ તેલંગાણાનું સિદ્ધપુરમ અને બીજું આંધ્રપ્રદેશનું બુર્લીપુરમ છે. અભિનેતાની જેટલી કમાણી થાય છે, તેનો એક ભાગ અહિં આપવામાં આવે છે. આટલું જ નહીં, મહેશ બાબુએ હીલ-એ-ચાઈલ્ડ સંસ્થા સાથે પણ હાથ મિલાવ્યો છે. આ સંસ્થાનું કામ તે બાળકોને તબીબી સુવિધા પૂરી પાડવાનું છે જે તેનો ખર્ચ ઉઠાવી શકતા નથી.

અલ્લુ અર્જુન: તાજેતરમાં જ પોતાની ફિલ્મ ‘પુષ્પા’ દ્વારા ધૂમ મચાવનાર અલ્લુ અર્જુન પણ પરોપકારમાં કોઈથી ઓછા નથી. તે કરોડોની સંપત્તિના માલિક છે. છતાં પણ તે પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાનું પસંદ કરતા નથી. જ્યારે અન્ય હીરો જન્મદિવસ પર ખૂબ ધૂમ મચાવે છે, તો અલ્લુ અર્જુન આ દિવસને માનસિક બીમારીથી પીડિત બાળકો સાથે ઉજવવાનું પસંદ કરે છે. તેઓ બાળકોને આર્થિક મદદ પણ કરે છે. તેઓ ત્યાં રક્તદાન પણ કરે છે.