આ છે દુનિયાના 10 સૌથી વધુ હેલ્ધી ફૂડ, સ્વસ્થ રહેવું છે તો આજે જ કરો ડાયટમાં શામેલ

હેલ્થ

આપણે જે ચીજો ખાઈએ છીએ તે જ આપણા શરીરને ફાયદાઓ પણ આપે છે અને નુક્સાન પણ. તો આજે અમે તમને એવા 10 ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે દુનિયાના સૌથી હેલ્ધી ફૂડ છે અને તેનું સેવન કરવાથી માત્ર ફાયદો જ થશે નુક્સાન નહિં. જો તમે પણ હંમેશાં ફિટ અને સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો તેના માટે સૌથી જરૂરી છે કે તમે વર્કઆઉટની સાથે તમારા ડાયટમાં પણ બદલાવ કરો. દરરોજ આપણે મર્યાદિત માત્રામાં જ ભોજન કરી શકીએ છીએ. જોકે આપણે આપણા ડેઈલી ડાયટમાં એવી ચીજોને શામેલ કરવી જોઈએ જે આપણને કેન્સરથી લઈને હ્રદય રોગ જેવી બીમારીઓથી બચાવે અને શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો પણ પૂરા પાડે. અમે તમને દુનિયાના એવા 10 સૌથી હેલ્ધી ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જેમાં ન્યૂટ્રિએંટ્સ એટલે કે પોષક તત્વોનો ખજાનો છે, જો સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો આજે જ તેનું સેવન કરવાનું શરૂ કરો.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે એવોકાડો: બધા ન્યૂટ્રિશિયસ ફૂડ્સમાંથી એક છે એવોકાડો જે કુદરતી રીતે કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે. એવોકાડોમાં બીટા-સીટોસ્ટેરોલ હોય છે જે ખોરાકમાં હાજર કોલેસ્ટ્રોલને અવશોષિત થવાથી રોકે છે.

હાર્ટ માટે હેલ્ધી છે દાળ અને કઠોળ: મગ, મસૂર, અદદની દાળ હોય કે પછી રાજમા, ચણા અથવા કબૂલી ચણા – આ બધી ચીજો દાળ અને કઠોળની કેટેગરીમાં આવે છે, જે હૃદય માટે ખૂબ હેલ્ધી છે. તેમાં મોટી માત્રામાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલને ધમનીની દિવાલ પર જમા થતો અટકાવે છે. આ સિવાય, કઠોળમાં પ્રોટીન અને મેગ્નેશિયમ પણ હોય છે જે બ્લડ શુગરની સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

બીમારીઓ દૂર કરે છે બ્લૂબેરીઝ: બ્લુબેરીમાં એક ખાસ પ્રકારના એન્ટીઓકિસડન્ટ હોય છે જે હૃદય રોગ, કેન્સર, મેમરી લોસ અને વધતી ઉંમર સાથે થતા અંધાપનની સમસ્યાથી બચવામાં મદદ કરે છે. આ સિવાય બ્લુબેરીઝમાં ફાઈબર પણ હોય છે જે કબજિયાતની સમસ્યામાં પણ મદદ કરે છે. બ્લૂબેરીઝ ખાઓ અને બિમારીઓ દૂર કરો.

દરેક પ્રકારના કેન્સરથી બચાવે છે બ્રોકોલી: જ્યારે વાત સૌથી હેલ્ધી ફૂડની આવે છે, ત્યારે બ્રોકોલીને કેવી રીતે ભૂલી શકીએ. કેન્સર સામે લડતા ફૂડ્સની બાબતમાં બ્રોકોલીનું નામ સૌથી પહેલા આવે છે. તેમાં સલ્ફેરોફેન નામનું કમ્પાઉન્ડ મળી આવે છે, જે શરીરમાં એવા ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે કેન્સર ઉત્પન્ન કરતા કમ્પાઉંડ્સને શરીરમાંથી બહાર કાઢે છે. આ સિવાય બ્રોકોલીમાં વિટામિન સી, બીટા કેરોટિન અને કેલ્શિયમ પણ હોય છે, તેથી તે હાડકાં માટે, આંખો અને રોગપ્રતિકારક શક્તિ માટે સારી છે.

ચમત્કારિક ફાયદાઓ વાળા છે અળસીના બી: ભૂરા રંગના નાના-નાના અળસીના બીમાં કેટલા ચમત્કારિક ફાયદાઓ છે જ્યારે તમે તેને જાણી લેશો ત્યારે દરરોજ તેનું સેવન કરવા લાગશો. અળસી જેને ફ્લેક્સ સીડ કહેવામાં આવે છે, તેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે જે લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચી શકાય. અળસીમાં દ્રાવ્ય ફાઇબર અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે અસ્થમાથી કબજિયાત સુધીની બિમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

ઘણા ફાયદાઓ વાળી હોય છે ડાર્ક ચોકલેટ: ઘણા લોકોને લાગતું હશે કે હેલ્ધી ફૂડના લિસ્ટમાં ચોકલેટ? પરંતુ તે સાચું છે કે ડાર્ક ચોકલેટમાં રોગ સામે લડતા ફ્લૈવનોયડ્સ અને એન્ટીઓકિસડન્ટો હોય છે જે બ્લડ પ્રેશરની સમસ્યામાં સુધારો કરે છે, બ્લડ ક્લોટને રોકે છે અને એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. રિસર્ચ અનુસાર મર્યાદિત માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 10 ટકા ઘટી જાય છે.

જો સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો કરો લસણનું સેવન: આપણા રસોડામાં હાજર લસણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે ભાગ્યે જ તમે જાણતા હશો. એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મોથી ભરપુર લસણ, બેક્ટેરિયા અને વાયરસથી થતી ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. એક અઠવાડિયામાં લસનની માત્ર 6 કળીઓ ખાવાથી કોલોરેક્ટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 50 ટકા ઓછું થઈ જાય છે. લસણમાં હાજર સલ્ફર કંપાઉંડ્સ કેન્સર ઉત્પન્ન કરતા તત્વોને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે.

સૈલ્મન માછલી કરે ડિપ્રેશન દૂર: જો તમે અઠવાડિયામાં મત્ર 2 વખત સૈલ્મન માછલીનું સેવન કરો છો તો હ્રદય રોગથી થતા મૃત્યુના જોખમને 17 ટકા સુધી ઘટાડી શકાય છે અને હાર્ટ એટેકના જોખમને 27 ટકા સુધી ઘટાડી શકાય છે. સૈલ્મન ઓમેગા -3 ફેટી એસિડથી ભરપુર હોય છે જે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે જ સૈલ્મન માછલીનું સેવન કરનારા લોકો ડિપ્રેશનથી દૂર રહે છે.

આંખો માટે હેલ્ધી છે પાલક: આયર્ન, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર પાલક માત્ર આંખો માટે જ સારું માનવામાં આવતું નથી પરંતુ હાડકાંને પણ મજબૂત બનાવે છે જેથી ફેક્ચર થવાનું જોખમ ઓછું થાય છે, બ્લડ પ્રેશર ઘતાડે છે જેથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થઈ શકે. સાથે જ પાલકમાં ફોલેટ પણ હોય છે, જે ફેફસાના કેન્સરનું જોખમ ઘટાડે છે.

પાચનશક્તિ સારી રાખે દહીં: દહીં, જેને યોગર્ટ પણ કહેવામાં આવે છે, તેમાં પ્રોબાયોટિક્સ હોય છે. પ્રોબાયોટીક્સ હેલ્ધી બેક્ટેરિયા છે જે આંતરડાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે જેથી શરીરની પાચન શક્તિ તંદુરસ્ત રહે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 12 જેવા પોષક તત્વો દહીંમાં હોય છે જે પેટ સાથે સંબંધિત અનેક બિમારીઓ-અલ્સર, યુટીઆઈ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે પ્રોબાયોટિક્સ ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છો તો દહીંમાં બ્લૂબેરીઝ મિક્સ કરીને તેનું સેવન કરો.

Leave a Reply

Your email address will not be published.